વૈષ્ણવ જન તો
Devotional Bhajan
વૈષ્ણવ જન તો તેને કહિયે જે, પીડ પરાયી જાણે રે।
પર દુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે॥ (ધ્રુવપદ)
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે।
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે॥
સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે।
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે॥
મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે।
રામ નામ શું તાળી લાગી, સકળ તીર્થ તેના તનમાં રે॥
વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે।
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ એકોતેર તાર્યા રે॥